આર્ટીકલ

6/recent/ticker-posts

મુસ્લિમ સમાજમાં જાગૃતિ: જવાબદારીઓનું જ્ઞાન કોણ આપશે?

 

💁 મુસ્લિમ સમાજમાં જાગૃતિ: જવાબદારીઓનું જ્ઞાન કોણ આપશે?..✍️✍️✍️

     આદરણીય મુસ્લિમ સમાજના લોકો, આપણે ઘણીવાર જોઈએ છીએ કે જ્યારે કોઈ ઘટના ઘટે છે, ત્યારે આપણે એકબીજા પર દોષારોપણ કરીએ છીએ. ક્યારેક આલીમો, ક્યારેક શિક્ષિત લોકો, ક્યારેક નેતાઓ કે આગેવાનોને જવાબદાર ગણીએ છીએ. આ દોષારોપણથી આપણો સમાજ જૂથો અને ફિરકાઓમાં વહેંચાઈ જાય છે. પરંતુ આ સમસ્યાનું મૂળ કારણ એ છે કે આપણને ખબર જ નથી કે કોની જવાબદારી શું છે? અને આ જવાબદારીઓ વિશે આપણને કોણ જણાવશે?

   આપણે એકબીજા પર દોષ મૂકવાને બદલે પ્રથમ એ જાણવું જોઈએ કે સમાજના જવાબદાર વ્યક્તિઓ—આલીમો, ઇમામો, પીર, નેતાઓ, આગેવાનો, સરપંચ, કોર્પોરેટર, ધારાસભ્ય, સંસદ સભ્યો અને સંસ્થાઓના હોદ્દેદારોની જવાબદારીઓ શું છે? આપણે તેમની પાસે જઈને પૂછવું જોઈએ: “ભાઈ, અમને જણાવો, તમારી જવાબદારી શું છે? સમાજને આગળ લઈ જવા માટે તમે શું કરો છો?” અમે કેવી રીતે મદદરૂપ થઈએ? આ જ્ઞાન આપણને જાગૃત કરશે અને સમાજમાં પારદર્શિતા લાવશે.

    મુસ્લિમ સમાજમાં વર્ષોથી ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થાય છે, જેમાં આલીમો લોકોને ધર્મ તરફ આકર્ષે છે અને દાન મસ્જિદો-મદરેસાઓમાં વપરાય છે. આલીમો પર લોકોનો ઊંડો વિશ્વાસ છે, પરંતુ તેમની જવાબદારી છે કે તેઓ લોકોને પોતાની ભૂમિકા અને દાનના ઉપયોગ વિશે સ્પષ્ટ જણાવે. મદ્રેસા દ્વારા તૈયાર થતા આલીમ, હાફીઝ થી સમાજને શું ફાયદો થશે? તેઓ સમાજ પ્રત્યે શું જવાબદારી નિભાવશે? તેનું સ્પષ્ટીકરણ કરો. આલીમો અને સંસ્થાઓએ લોકોને જણાવવું જોઈએ કે ઇસ્લામની દ્રષ્ટિએ ગામ સમાજ અને સંસ્થા સંગઠનના દરેક હોદ્દેદારની જવાબદારી શું છે, જેથી લોકો સમજી શકે કે સમાજના ઉત્થાન માટે કોણ શું કરે છે.

    આ જાગૃતિ ફેલાવવાની જવાબદારી કોની છે? આલીમો, નેતાઓ, શિક્ષિત લોકો અને સંસ્થાઓએ મળીને સેમિનારો, કાર્યક્રમો અને ચર્ચાઓ યોજવી જોઈએ. આ કાર્યક્રમોમાં દરેક હોદ્દેદારે પોતાની જવાબદારીઓ લોકો સમક્ષ રજૂ કરવી જોઈએ. આવી પહેલથી લોકો જાગૃત થશે, દોષારોપણ ઘટશે અને સમાજ એકજૂટ થઈને પ્રગતિના પંથે આગળ વધશે. આપણે સૌએ મળીને આ જ્ઞાન ફેલાવવું જોઈએ, જેથી આપણો સમાજ મજબૂત અને સશક્ત બને.

જો આ આર્ટીકલ ફાયદાકારક હોય તો ખૂબ જ શેર કરો.... દરેક whatsapp ગ્રુપ facebook ગ્રુપ માં શેર કરો...


Post a Comment

0 Comments