આર્ટીકલ

6/recent/ticker-posts

જિંદગીમાં બીજાથી આગળ નીકળી જવાની હરિફાઈમાં આટલું ધ્યાન રાખો*


જિંદગીમાં બીજાથી આગળ નીકળી જવાની હરિફાઈમાં આટલું ધ્યાન રાખો*

          આપણે નાના હોઇએ ત્યારે સ્કૂલમાં કે બીજે એક પ્રકારની રેસમાં ભાગ લીધો હોય છે. લીંબુ ચમચીની રેસ. આપણા મોંમાં એક ચમચી મૂકીને એના પર એક લીંબુ મૂકવામાં આવે અને પછી દોડવાનું કહેવામાં આવે. ચમચીમાંનું લીંબુ પાડ્યા વગર જે સામેના છેડા સુધી પહેલો પહોંચે એ જીતી જાય. પણ જો લીંબુ કે ચમચી પડી જાય, પછી આપણે પહેલા આવ્યા કે બીજા એનાથી કંઈ મતલબ રહેતો નથી. આપણું જીવન લીંબુ ચમચીની આવી દોડ જેવું છે. 

          જીવનભર આપણે અલગ અલગ હેતુ માટે દોડતા રહીએ છીએ. પહેલાં શિક્ષણ માટે, પછી કારકિર્દી માટે, ધનદોલત કમાવવા માટે, શોહરત કમાવવા માટે, ઇશ્વર અલ્લાહની સમીપતા માટે કે બીજું કંઇક મેળવવા માટે. *આ બધી દોડાદોડી કરતાં કરતાં આપણા જીવનમાં તંદુરસ્તી, વિશ્વાસ,સંબંધ અને શાંતિ જળવાઇ રહેવા જોઇએ. એટલે જિંદગી પણ એક પ્રકારની લીંબુ ચમચીની હરીફાઈ જેવી  જ છે, જેમાં જિંદગી નામની ચમચીમાં તંદુરસ્તી, વિશ્વાસ, સંબંધ અને શાંતિના લીંબુ મૂકવામાં આવે છે. આ  લીંબુ કાયમ જળવાઇ રહેવાં જોઇએ.* 

             જે રીતે 42 કિલોમીટરની મેરેથોન હેમખેમ પૂરી કરવી પણ એક સિદ્ધિ ગણાય છે, પછી ભલે ને એ પૂરી કરતાં આપણને 5-6 કલાક લાગ્યા હોય, એ જ રીતે જીવનના અંત સુધી સ્વાસ્થ્ય, વિશ્વાસ,સંબંધ અને શાંતિ જળવાઇ રહે તો જ એ જિંદગીની દોડ આપણે સંતોષકારક રીતે પૂરી કરી ગણાય.

જિંદગીની લીંબુ ચમચીની આ સ્પર્ધામાં જો આપણું સ્વાસ્થ્ય હણાઇ જાય, વિશ્વાસ તૂટી જાય,આપણા સંબંધો તૂટી જાય અથવા તો આપણી માનસિક શાંતિ ખોવાઇ જાય તો પછી આ જીવનમાં આપણે શું ભેગું કર્યું, કેટલી સિદ્ધિઓ મેળવી, કેટલી દોલત કમાવી, કેટલા એવોર્ડ મેળવ્યા એવી કોઈ વસ્તુનું મહત્વ રહેતું નથી. 
          આપણી પાસે ગમે તેટલા પૈસા આવે, ખૂબ સિદ્ધિ મળે પરંતુ આપણા સંબંધીઓ આપણાથી વિખૂટા પડી જાય, આપણા સંબંધીઓનો આપણા ઉપરનો વિશ્વાસ ઉઠી જાય, આપણી સિદ્ધિઓ કોઈની સાથે શેર કરવા માટે કોઈ વ્યકિત જ ન હોય તો એ સિદ્ધિઓ શું કામની? શું આપણે એ ભોગવી કે માણી શકીએ ખરા? એ જ રીતે બધું મેળવ્યા પછી આપણું સ્વાસ્થ્ય હણાઇ જાય કે આપણા મનની શાંતિ ખોવાઇ જાય તો પણ આપણે જીવનની ઉપલબ્ધિઓને માણી શકતા નથી અને જીવનના અંતે અધુરાશ અનુભવીએ છીએ.

• જિંદગીની  ચમચીમાંથી સંબંધો, વિશ્વાસ,સ્વાસ્થ્ય અને શાંતિના લીંબુ પડી ન જાય, એનું ખાસ ધ્યાન રાખો. એમને જાળવી રાખવા માટે બધું કરો. એટલું ન દોડો કે આમાંથી એકેય વસ્તુને ખોઇ બેસીએ. દોડ હેમખેમ પૂરી થવી જોઇએ.*