આર્ટીકલ

6/recent/ticker-posts

જીવનમાં આવતી મુશ્કેલીઓ અને કઠિન સમય એ અલ્લાહની યોજનાનો એક ભાગ છે – સજા નહીં, ઘડતર છે

 
      💁 જીવનમાં આવતી મુશ્કેલીઓ અને કઠિન સમય એ અલ્લાહની યોજનાનો એક ભાગ છે – સજા નહીં, ઘડતર છે

આજે આપણે એક એવા વિષય પર વાત કરીશું જે દરેકના જીવનમાં આવે છે – "મુશ્કેલીઓ"  

      જ્યારે દરેક દિશા બંધ લાગે, જ્યારે સૌથી નજીકના લોકો દૂર થઈ જાય, જ્યારે સારા કામ કરવા છતાં બદનામી મળે – ત્યારે આપણે પૂછીએ છીએ: “અલ્લાહ, મારી સાથે જ આવું કેમ?”

પણ આ બ્લોગમાં આપણે જોઈશું કે આ મુશ્કેલીઓ દંડ નથી – ઘડતર છે. અને અલ્લાહ સારા માણસોને જ વધુ ઘડે છે, કારણ કે સારા કામો તેમના થકી જ કરાવે છે.  

1️⃣ જ્યારે દરેક દિશા બંધ લાગે…  

      જીવનમાં એવા દિવસો આવે છે જ્યારે લાગે કે બધું ખતમ થઈ ગયું છે.  જિંદગી ક્યારેક આપણને એવા મુકામે લઈ જાય છે જ્યાં દરેક દિશા અંધારી લાગે છે.

સંબંધો તૂટે છે, લોકો બદલાઈ જાય છે, સપના અધૂરા રહી જાય છે, અને હૃદય નિરાશ થઈ જાય છે. જેમની આંખોમાં તમારી વાતનું વજન હતું, તેઓ આજે તમારી વાતને હવા જેવી ગણે છે. અને જેમને તમે પોતાનું માનીને મદદ કરી, તે જ લોકો આજે તમને “અજાણ્યો” સમજે છે.

એ સમયે મનમાં સૌથી મોટો સવાલ ઉઠે —

“એ અલ્લાહ, આ બધું મારી સાથે જ કેમ?”

પણ એ જ સવાલનો જવાબ ઈમાનની ઊંડાઈમાં છે.

અલ્લાહ ક્યારેય પોતાના બંદાને દંડ આપવા માટે પીડા આપતા નથી. પણ ક્યારેક તેઓ પોતાના પ્રિય બંદાને વધુ સારો બનાવવાની ઘડતર માટે મુશ્કેલીઓ અને હાલાત આપે છે.

પણ યાદ રાખો – આ બધું અલ્લાહની નજરમાં બિનઅર્થપૂર્ણ અને મકસદ વગર નથી.  

આ તમારું ઘડતર (Divine Training) છે –  

  • દુનિયાના રંગ-રૂપ ઓળખવાની,  
  • સંબંધોની હકીકત સમજવાની,  
  • અને તમારા દિલને અલ્લાહના રહેમતની ઉર્વર જમીન બનાવવાની તાલીમ.

 2️⃣ અલ્લાહનું ઘડતર(તરબિયત): દિલને તોડવું એટલે નરમ બનાવવું  

ભૂતકાળમાં તમારું જીવન સારું હતું. માન, સ્થાન, સંબંધો — બધું સંતુલિત હતું. પણ પછી અચાનક સમય બદલાઈ ગયો. આર્થિક સ્થિતિ ડગમગાઈ, લોકોનું વર્તન ઠંડું પડ્યું, અને જેમણે કાલે તમારી સલાહ માનતા હતા, તેઓ આજે તમને સલાહ આપતા થયા. શરૂઆતમાં આ બધું દીલ તોડનાર લાગે છે.

પણ થોડું ઊંડું વિચારો — કદાચ આ અલ્લાહની તાલીમ (તરબિયત) છે.

જેમ ખેડૂત જમીનને હળ ચલાવીને નરમ કરે છે જેથી તેમાં સારું બીજ ઉગે,  એ જ રીતે અલ્લાહ આપણા દિલને ક્યારેક તોડે છે – દંડ આપવા માટે નહીં, ઘડતર કરવા માટે. અલ્લાહ ક્યારેક પોતાના બંદાને એવાં અનુભવમાંથી પસાર કરાવે છે કે તે દુનિયાની હકીકતને ઓળખી શકે.

લોકો કયા સમયે બદલાય છે, સંબંધોનો સાચો અર્થ શું છે, અને જીવનમાં “વિશ્વાસ” કોના પર રાખવો — એ સમજવાની તાલીમ.

    આ તાલીમ તમને સાવચેત બનાવે છે, સમજદાર બનાવે છે, અને તમારા ઈમાનને મજબૂતી આપતી જાય છે. તમે પહેલાથી વધારે ધીરજવાળા, સહનશીલતાવાળા, સંવેદનશીલ અને સચેત બની જાઓ છો.

કુરઆન કહે છે: 

“અમે તમને થોડું ડર, ભૂખ, માલની અને જાનની ઘટાડો અને ફળોના નુકસાનથી અવશ્ય પરીક્ષા લઇશું. અને (એવા સમયે) ધૈર્ય ધીરજ રાખનારાઓને ખુશખબરી આપો.”  (સૂરહ અલ-બકરહ: 155)

આ આયત આપણને એ સત્ય શીખવે છે કે દરેક પરીક્ષા પાછળ અલ્લાહનો એક હેતુ છે — બંદાને ઉંચા દરજ્જા પર પહોંચાડવાનો.

🌱 કઠણ જમીનમાં ક્યારેય સારું પાક નથી ઉગતું.  

🌱 કઠણ દિલ – જેમાં દયા, રહેમ અને માનવતા માટે જગ્યા નથી – બીજાઓ માટે પણ નિષ્ક્રિય થઈ જાય છે.

પણ જે દિલમાં દયા , ન્યાય અને ઈમાનનું બીજ છે,  

અલ્લાહ તેને વધુ નરમ બનાવવા માટે ક્યારેક તોડે છે.  

જેથી તેમાંથી ઉગે:  

- 🌿 રહેમ – જે બીજાના દુ:ખને પોતાનું માને  

- 🌿 સહાનુભૂતિ – જે ચૂપચાપ આંસુ લૂછે  

- 🌿 હિમ્મત – જે તૂટેલા હાથથી પણ બીજાને ઉઠાવે  

એ દિલ પછી બીજાઓ માટે આસરા બને છે –  

જેમ ઊંડા મૂળવાળા વૃક્ષો થાકેલા મુસાફરોને છાંયો અને ફળ આપે છે.

 3️⃣ તોડવું એટલે ખરાબી નહીં, નવુ તૈયાર થવું છે 

તમારા દિલને તોડવા માટે મળેલી મુશ્કેલીનો અર્થ એ નથી કે તમે ખરાબ હતા.  અલ્લાહ ક્યારેય પોતાના સચ્ચા બંદાને દંડ આપવા માટે પીડા નથી આપતા.  તેમની યોજના હંમેશા ઘડતર માટે હોય છે –  તમને વધુ પવિત્ર, વધુ મજબૂત, અને વધુ ઉપયોગી બનાવવા માટે. 

હઝરત યુસુફ અલૈહિસ્સલામની વાત યાદ કરો:

તેમનું દિલ શુદ્ધ હતું, નીતિ સારી હતી,ઈમાન મજબૂત હતું.

તેમ છતાં –

  • પોતાના જ ભાઈઓએ જેઓનું તેઓ હંમેશો ભલું ઈચ્છતા હતા તેમના દ્વારા તેમને કૂવામાં ફેંકાયા.
  • સ્ત્રીઓનું હંમેશા સન્માન અને ઈજ્જત કરતા હતા છતાં સ્ત્રીઓ દ્વારા ખોટા ઈલજામમાં વર્ષો સુધી જેલમાં રહ્યા  
  • એકલતા, વિયોગ અને અપમાનનો દરેક ઘૂંટડો પીધો  

પણ જો એ તકલીફો ન આવી હોત,  

તો તેઓ મિસરના રાજા બનીને વિશ્વ માટે ઉદાહરણ કેવી રીતે બનત?  

અલ્લાહે તેમને તોડ્યા નહોતા – તૈયાર કર્યા હતા.  

એ જ રીતે – તમારી મુશ્કેલીઓ એ ઈશારો છે  કે અલ્લાહ તમારી અંદર કંઈક વિશેષ ઉગાડવા ઈચ્છે છે.

 4️⃣ સારા દિલવાળા પર જ વધુ કસોટી કેમ આવે છે?  

જો તમે ધ્યાનથી જોશો તો દુનિયામાં જે લોકો બીજાઓનું ભલું કરે છે,  એ જ લોકો પર વધારે મુશ્કેલીઓ આવતી જોઈશો.  

- હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ– રહેમતુલ્લિલ આલમીન –  

  તેમણે આખી દુનિયાને રહેમત આપી, પણ પોતે તાઇફમાં પથ્થરો ખાધા.  

- હઝરત બિલાલ રદિ. – ગરીબ ગુલામ, પણ ઈમાનનો પહાડ.  

  તેમણે અઝાન આપી, પણ પોતે ગરમ રેતી પર સૂવડાવ્યા.  

કેમ?  

કારણ કે અલ્લાહ મોટા મિશન માટે નબળા અને કઠણ દિલવાળા લોકોને તૈયાર નથી કરતા.  તે સંઘર્ષ દ્વારા યોદ્ધાઓ, દબાણ દ્વારા નેતાઓ, દુઃખ પીડા દ્વારા ઉપચારકો(દુઃખ પીડા દૂર કરનાર) બનાવે છે.

 5️⃣  ઘડતરનું રહસ્ય: અલ્લાહ સારા કામો સારા દીલ વાળા માણસો થકી જ કરાવે છે  

જ્યારે કોઈ વ્યક્તિના સારા કામોથી તેની લોકપ્રિયતા વધે છે  ત્યારે ઈર્ષાળુ લોકોને ગમતું નથી. તેઓ બદનામી કરે, ખોટા આરોપ લગાવે, અને તે વ્યક્તિને તોડવા માંગે.  પણ અલ્લાહ તે જ સારા કામ કરનારને વધુ મજબૂત અને વધુ સારો બનાવવા ઘડે છે.  

ઘણા નાદાન લોકો આને સજા સમજે છે –  

“આને તો અલ્લાહ સજા આપી રહ્યા છે!”  

પણ હકીકત એ છે: 

અલ્લાહ સારા કામો તેના થકી કરાવે છે જેને તે પસંદ કરે છે. જો અલ્લાહ તમારા થકી સારા કામો નથી કરાવતા, તો પૂછો પોતાની જાતને:  

“અલ્લાહ મારા થકી આ કામો કેમ નથી કરાવતા?”  

કારણ કે સારા કામો અલ્લાહ સારા માણસો થકી જ કરાવે છે. 

અને જેને તે ઘડે છે, તેને ઈર્ષા, બદનામી નો ભોગ બનાવી અને કસોટીઓ આપીને ઘડતર કરી લાયક બનાવી વધુ ઉચ્ચ સ્થાન આપે છે.

કુરઆન કહે છે:  

“શું લોકો એમ માને છે કે તેઓ એટલું જ કહીને છોડી દેવામાં આવશે કે ‘અમે ઈમાન લાવ્યા’ અને તેઓની પરીક્ષા નહીં કરવામાં આવે?”  (સૂરહ અલ-અન્કબૂત: 2)

મુશ્કેલીઓ અને કસોટીઓ એ ચિન્હ છે કે અલ્લાહ તમને મોટા કામ માટે તૈયાર કરી રહ્યા છે.  

જેમ સોનું આગમાં તપીને શુદ્ધ થાય છે, એ જ રીતે સારા માણસનું દિલ કસોટીઓમાં તપીને વધુ ચમકે છે.

 6️⃣ હકીકતની સમજ: તું ક્યારેય એકલો નથી  

અલ્લાહ તમને તોડે છે, પણ તોડવા માટે નહીં ઘડવા માટે –  તમને વધુ નરમ, વધુ પવિત્ર, વધુ ઉપયોગી બનાવવા માટે.  

જ્યારે તમે એકલતા અનુભવો છો,  

ત્યારે અલ્લાહ ઈચ્છે છે કે તમે સમજો –  

“હું તારી સાથે છું, હું તને જોઈ રહ્યો છું, હું તને ઘડી રહ્યો છું.”

દરેક મુશ્કેલી એ ચિન્હ છે અલામત છે કે અલ્લાહ તમારી અંદર કામ કરી રહ્યા છે. તેઓ તમને એવી વ્યક્તિ બનાવી રહ્યા છે  જે પોતાની તૂટણમાંથી પણ બીજાઓને જોડી શકે.

🌤️ ઈમાનનો સંદેશ

        મુશ્કેલ સમય એ અલ્લાહનો સંદેશ છે કે હવે તમારી અંદર છુપાયેલ શક્તિ બહાર લાવવાનો સમય આવી ગયો છે. તમે જે ગુમાવ્યુ છે તે કદાચ અલ્લાહે દૂર કર્યું છે, જેથી તમે કંઈક વધુ સારું મેળવી શકો. ક્યારેક તેઓ તમને એકલા રાખે છે, તેથી તમે સમજશો કે હકીકતમાં સાથ ફક્ત તેમનો જ છે.

તેમનો હિસાબ આપણાથી અલગ છે, પણ હંમેશા ન્યાયપૂર્ણ છે.

“કદાચ તમે કોઈ વસ્તુને નાપસંદ કરો છો, પરંતુ તેમાં તમારું ભલું છે; અને કદાચ તમે કોઈ વસ્તુને પસંદ કરો છો, પરંતુ તેમાં તમારું નુકસાન છે. અલ્લાહ જાણે છે, અને તમે જાણતા નથી.”

(સૂરા અલ-બકરા 2:216)

“અલ્લાહ પોતાના બંદાને તેની ક્ષમતા કરતાં વધારે ભાર આપતા નથી.”

(સૂરા અલ-બકરા 2:286)

તો જો હાલ પરિસ્થિતિ કઠિન છે,

તો જાણો કે એ અલ્લાહની રહેમતથી ભરેલી તાલીમ છે 

તમારું દિલ નરમ કરવા, તમારા ઈમાનને મજબૂત કરવા, અને તમને એવી વ્યક્તિ બનાવવા માટે, જે બીજાઓ માટે રોશનીનો સ્રોત બને.

 🤲 દુઆ: ઘડતરની 

“યા અલ્લાહ!  

મારી મુશ્કેલીઓને મારૂ ઘડતર બનાવી દે.  

મારી તૂટણમાં તારી હિકમત બતાવ.   

મારા દિલને એવી નરમ જમીન બનાવી દે  

જ્યાં દયા, ઈમાન અને રહેમતના વૃક્ષો ઊંચા થાય.  

અને મારી દરેક કસોટી મને વધુ તારી નજીક લાવે.  

આમીન યા રબ્બુલ આલમીન.”

 🌿 અંતમાં એક વાત:  

જ્યારે આગલી વખત તમને લાગે કે “હું કેમ?.. મારી સાથે જ કેમ?”,  

તો યાદ રાખો –  

અલ્લાહ તમને તોડી રહ્યા છે, કારણ કે તેઓ તમને બનાવી રહ્યા છે ઘડી રહ્યા છે. અને જેને અલ્લાહ ઘડે છે,  

તે દુનિયાના તોફાનોમાં પણ ઊભો રહે છે.  

 જો તમને આ બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો,શેર કરો, કોમેન્ટ કરો....  

-લેખક: ઈસરાઈલ અરોડીયા 

(ઈમાન અને જીવનની શ્રેણી)

Post a Comment

0 Comments