આર્ટીકલ

6/recent/ticker-posts

“દેખાવના ધર્મ અને સ્વાર્થના સંબંધો વચ્ચે જીવતો માણસ”...“જ્યારે સંબંધો વિધી બની ગયા અને ધર્મ દંભમાં ખોવાઈ ગયો”

 

💁 દિલથી જીવાતા સંબંધો હવે દિમાગ અને દેખાવની ગણતરીમાં ખોવાઈ ગયા..✍️✍️✍️

    આજના સમયમાં સંબંધો અને ધર્મ — બે ખૂબ પવિત્ર શબ્દો — હવે ફક્ત દેખાવ માટે રહી ગયા છે. માણસ હવે સંબંધો “નિભાવે” છે અને ધર્મ “બતાવે” છે, બંનેમાં દેખાવ છે, લાગણી નથી. પરંતુ ન તો સંબંધોને જીવતો રહ્યો છે, ન ધર્મ સમજી રહ્યો છે. માનવી હવે સંબંધો જીવતો નથી, ફક્ત તેનું નાટક કરે છે; ધર્મને સમજતો નથી, ફક્ત ધાર્મિક દેખાવથી પોતાને “સૂફી, સંત, બુઝુર્ગ” સાબિત કરવાનો પ્રયત્ન કરે છે.

      એક સમય એવો હતો કે લોકો ધર્મના ઉપદેશો બોલતા નહોતા, પરંતુ એ જીવતા હતા. તેમનું વાણી વર્તન અને વ્યવહાર એવું હતું કે બીજા લોકો માટે પ્રવચન અને બયાન બની જતું. તેઓ મંદિરમાં કે મસ્જિદમાં જતા હતા, પણ એ કરતા પહેલાં પોતાના પડોશીના દુઃખમાં ખભો આપતા, જરૂરિયાતમંદને મદદ કરતા. પણ એટલું જ નહીં — ધર્મ જે સંવેદના, સદભાવ, સહાનુભૂતિ અને કરુણા શીખવે છે, એ જીવનમાં ઉતારતા હતા. એ લોકો ધર્મમાં દેખાતા નહોતા, પરંતુ ધર્મ તેમની અંદર જીવતો હતો. અને એ કારણે જ વિવિધ ધર્મના, વિવિધ સમાજના લોકો વચ્ચે પણ હૃદયના સંબંધો મજબૂત હતા. ધર્મે તેમને વહેંચ્યા નહોતા, જોડ્યા હતા.

આજના સમયમાં સંબંધોનું મૂલ્ય ધીમે ધીમે વિખરાઈ રહ્યું છે. લોકો હવે સંબંધો “નિભાવવાનો દેખાવ” કરે છે, પરંતુ એમાં દિલની ગરમાવો નથી, લાગણીઓની ભીનાશ નથી. ફોન પર એકાદ વાર હાલચાલ પૂછી લેવુ, તહેવારે શુભેચ્છા મોકલી દેવી, કે કોઈ પ્રસંગે દાવત આપી દેવી — બસ, આટલાથી જ લોકો સમજી લે છે કે સંબંધ નિભાવ્યા. પરંતુ સાચું કહું તો, આ બધું ફક્ત વિધિ છે, જીવંત લાગણી નહીં. પરંતુ હવે સંબંધો “ઓનલાઈન હાજરી” બની ગયા છે. એકબીજાને જોતા સ્મિત આવે છે, પણ દિલો વચ્ચે દૂરાવો રહે છે. લાગણીઓ હવે મૌન થઈ ગઈ છે, અને માણસો એ મૌનને સંબંધ સમજી બેઠા છે.

    પણ આજના સમયમાં શું થઈ ગયું છે? લોકો હવે “ધાર્મિક દેખાવા” માટે જેટલો સમય, પૈસા અને ઉર્જા ખર્ચે છે, એટલો ધર્મના સાચા અર્થને સમજવા માટે ખર્ચતા નથી. પોતાના ધર્મના શાસ્ત્રો શું કહે છે, ધર્મ માણસ પાસેથી શું ઈચ્છે છે — એ વિષય પર કોઈ વિચારતો જ નથી. લોકો ધાર્મિક ચિહ્નો ધારણ કરે છે, ધાર્મિક વિધિઓ કરે છે, પરંતુ ધર્મના મૂળ તત્વ — “માનવતા” — ને ભૂલી ગયા છે.

    આજનો માણસ ધર્મનો દેખાવ તો ખૂબ કરે છે, પરંતુ ધર્મનો અર્થ સમજવામાં નિષ્ફળ રહ્યો છે. તેમના માટે ધર્મ હવે સત્યનો માર્ગ નહીં, પણ પ્રતિષ્ઠા અને શરાફત બતાવવાનો માધ્યમ બની ગયો છે.અને જે લોકો ધર્મના નામે દેખાવ કરે છે, એ જ લોકો પોતાના જ લોહીના સંબંધો નિભાવવામાં નિષ્ફળ જાય છે. પોતાના જ ભાઈ, બહેન, માતા કે સંતાન સાથે દિલથી જોડાણ નથી રાખતા. કારણ કે તેમના માટે સંબંધ પણ એક “વિધી” બની ગયા છે — જેમ ધાર્મિક વિધિઓ ફક્ત દેખાવ માટે થઈ ગઈ છે.

    ખરેખર દુઃખ સાથે કહેવું પડે છે કે આજનો માણસ ધર્મના નામે દેખાવડો કરીને ફક્ત માણસોને જ નહીં, પણ ઈશ્વર અને અલ્લાહને પણ છેતરી રહ્યો છે. એમ લાગે છે કે ઈશ્વર/અલ્લાહ પણ આવા લોકોના ધાર્મિક નાટકથી વિચારમાં પડી ગયો હશે — કારણ કે જે ઈશ્વર માણસને દયા, સહાનુભૂતિ અને સચ્ચાઈ શીખવે છે.. ઈશ્વર/અલ્લાહ એ કહ્યું હતું, “મેં તને જે નેઅમતો આપી છે, એનો ઉપયોગ લોકોના હિત માટે કર, સંબંધોને જીવાડવા માટે કર.”

પણ આજનો સ્વાર્થભરેલો અને દંભી માણસ ઈશ્વર/અલ્લાહને કહે છે, “એ તો મારું છે, પણ તું વધુ આપ.” ધર્મ હવે માનવતા માટે નહીં, અનીતિથી સંપત્તિ એકઠી કરવા કે અનીતિ અને બુરાઈઓને ઢાંકવા માટે કરે છે મનની ઈચ્છાઓ પૂરી કરવા ઉપયોગમાં લેવાય છે. અને જે માણસ ધર્મને સ્વાર્થ માટે વાપરે છે, તે સંબંધોને કેવી રીતે નિષ્ઠાથી જીવી શકે? એવા માણસોને પોતાના જ લોહીના સંબંધો પ્રત્યે લાગણી નથી રહેતી.

     હા, એ પણ સ્વીકારવું જરૂરી છે કે આજની દુનિયામાં બધા લોકો દંભી નથી. કેટલાક લોકો હજુ પણ એવા છે જે સાચા અર્થમાં ધાર્મિક છે અને દિલથી સંબંધોમાં પણ જીવતા રહે છે. તેમના ધર્મમાં દેખાવ નથી, લાગણી છે; અને તેમના સંબંધોમાં સ્વાર્થ નથી, સમર્પણ છે. પરંતુ દુઃખની વાત એ છે કે આવા લોકો હવે ખૂબ ઓછા છે. દંભ અને સ્વાર્થના શોરમાં તેમની નિષ્ઠાનો અવાજ ધીમો પડી ગયો છે, પણ એ જ લોકો આજની માનવતાને જીવંત રાખી રહ્યા છે.

     પરંતુ આ બધાની વચ્ચે પણ આજનો નાનો કે ગરીબ માણસ, ભલે તેના પાસે ન હોદ્દો હોય કે ન સંપત્તિ,

પરંતુ એ દિમાગથી પરિપક્વ થઈ ગયો છે. એ હવે સમજી ગયો છે કે આ દંભી લોકો કેવી રીતે સ્વાર્થ માટે નાટક કરે છે. તે જાણે છે કોણ સાચું છે અને કોણ નકલી.

પરંતુ તેની મજબૂરી, તેની પરિસ્થિતિ, તેનો સંજોગ — તેને મૌન રહેવા મજબૂર કરે છે. અને આ દંભી લોકો એ મૌનને “માન” અને “સન્માન” માને છે. તેમને ખ્યાલ નથી કે લોકો તમારા સન્માન માટે નહીં, મજબૂરી અને સંજોગોથી ચૂપ રહે છે. મૌન એ સ્વીકાર નથી, એ માણસની સહનશીલતા છે.

    આજની સૌથી કડવી હકીકત એ છે કે સાચા સંબંધો હજુ પણ એ જ ગરીબ અને નિસ્વાર્થ લોકો જ નિભાવે છે. તેઓને ન ધર્મના દેખાવની જરૂર છે, ન સંબંધોના દેખાડાની. તેઓ બોલાવ્યા વગર પહોંચી જાય છે, જરૂર પડે ત્યારે સમય આપે છે, પ્રેમ આપે છે, સહાનુભૂતિ આપે છે. અને હૃદયથી સાથ આપે છે. તેમના માટે ધર્મનો સાચો અર્થ માનવતા છે અને તેમનો સંબંધ હૃદયનો છે.

બીજી બાજુ, હોદ્દા, સત્તા અને સંપત્તિ ધરાવતા લોકોના સંબંધો હવે દિમાગથી ચલાવે છે. તેઓ ગણતરી કરે છે – “ક્યારે જવું, ક્યા પ્રસંગે જવું, શું દેખાવવું.” એવા લોકોના દિલોમાં ન લાગણી રહી છે, ન સંબંધો માટે સ્થાન.    તેઓ ત્યાં સુધી આવે છે જ્યાં સુધી તેમને ફાયદો દેખાય. તેઓ માન-સન્માનના લેબલ વગર નહીં આવે, અને સંબંધ તૂટે તો પણ કોઈ ફરક પડતો નથી – કારણ કે એ સંબંધો દિલમાં નથી વસતા, ફક્ત દિમાગમાં રહે છે.

દિલવાળા લોકો સંબંધો જીવતા હોય છે, જ્યારે દિમાગવાળા લોકો સંબંધો “સંભાળતા” હોય છે. દિલવાળા સંબંધ તૂટે તો રડે છે, દુઃખી થાય છે, કારણ કે એમાં લાગણી હોય છે. દિમાગવાળા લોકો તૂટેલા સંબંધ પર પણ સ્મિત કરી શકે છે, કારણ કે એ માટે સંબંધ એક વ્યવહાર જ હતો. સાચા સંબંધો એ છે જ્યાં આમંત્રણની જરૂર ન પડે, જ્યાં એકબીજાની આંખો બોલે અને દિલ સાંભળે. જ્યાં સમય આપવો એ ફરજ નહીં, આનંદ બને. જ્યાં સંબંધો દેખાડા માટે નહીં, જીવન માટે જીવાય.

સાચો ધર્મ અને સાચા સંબંધો બંને એક જ પાઠ આપે છે બંનેની એક જ ઓળખ છે — એમાં સ્વાર્થ નથી, દેખાવ નથી, ફક્ત સચ્ચાઈ અને પ્રેમ છે. લાગણીથી જીવતા શીખો, દેખાવથી નહીં. ધર્મ મનુષ્યતાનો માર્ગ છે, અને સંબંધ એ માર્ગ પર ચાલવાનો સૌથી સુંદર ઉપાય છે. ધર્મ માણસને મનુષ્યતાની તરફ દોરે છે, અને સંબંધો એ મનુષ્યતાનો જીવંત પુરાવો છે. જો તમે સાચા ધાર્મિક હોય તો સંબંધો જીવંત અને મજબૂત બને છે, અને જો સંબંધો જીવંત હોય તો તે ધર્મ લોકોમાં પ્રિય બને છે.

       આપણે જો સાચા સંબંધો જીવવા માંગીએ, તો પહેલું પગલું એ છે કે ધર્મને દેખાવથી નહીં, મનુષ્યતાથી સમજીએ. કારણ કે જે ધર્મ હૃદયમાં વસે છે, એ જ સંબંધોને જીવંત રાખે છે. 

 સંબંધો નિભાવવાના નહીં, જીવવાના હોય છે — અને ધર્મ બતાવવાનો નહીં, અનુસરવાનો હોય છે.

દિલથી જીવેલા સંબંધો અને સાચો ધર્મ — એ બંને જ માનવીના જીવનની સાચી શોભા છે. ❤️

Post a Comment

0 Comments